What is Club 99 ? | જાણો ક્લબ 99 શું છે ? ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Monday, July 2, 2018

What is Club 99 ? | જાણો ક્લબ 99 શું છે ?

જાણો ક્લબ 99 શું છે ?


      એક રાજા એના મંત્રી જોડે વિહાર કરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું  એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ વિહાર કરી રહ્યા હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

      રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, "હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?"
મંત્રી એ હસીને જવાબ આપ્યો, "એ લોકો 99 ક્લબના સભ્યો નથી અને તમે છો ને એટલે!!"
"99 ક્લબ? એ શું છે??" રાજા ને આશ્ચર્ય થયું. 
મંત્રી એ કહ્યું, "મને 99 સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ." રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને 99 સોનામહોર આપી. મંત્રી એ એજ રાત્રે જઈને એ 99 સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

     બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ.
એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર.....નવ્વાણું. કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો 99 નો આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, "તું આ સોનામહોર ગણ. એને ય આંકડો 99 નો જ આવ્યો."

     સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, "જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરા 100 સોનામહોર થઈ જશે." એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

     એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણ્યા......તો આંકડો 97 આવ્યો.
"આમાંથી બે સોનામહોર ઓછા કેમ થઈ ગયા?" એણે અતિશય ગુસ્સામાં કહ્યું.એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, "બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ ડ્રેસ ......કેવો લાગ્યો?" પતિનો પિત્તો ગયો, "તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?" "તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો", પત્નીએ છણકો કર્યો. એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

     સોનામહોર ઘટતી ગઈ......કંકાસ વધતો ગયો.

     બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું. ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, "શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?" મંત્રીએ હસીને જવાબ આપ્યો, "રાજન! હવે આ લોકો પણ 99 ક્લબ ના સભ્યો છે." "તમે આપેલી 99 સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ 99 સોનામહોર ને 100 કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું."

     આપણામાંથી એવા ઘણા છે જેની પાસે 99 સોનામહોર પડેલી છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં એ 99 સોનામહોર એમને એમ પડી રહી છે.

     જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો 99 ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને 99 સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે!

Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group